Saturday, August 1, 2020

Friendship Day Special


   





       દો+હસ્તી = દોસ્તી
      મિત્રતા એટલે ઈશ્વર જેમને લોહીના સંબંધથી જોડવાનું ભૂલી ગયા હોય એવી વ્યક્તિઓને ઈશ્વર મિત્રો બનાવી ભૂલને સુધારી લેતા હોય છે. આમ જેની સામે એક ખોબો દુ:ખ ઠાલવો અને સુખનો કોથળો ભરાઈ જાય તેનું નામ જ મિત્ર. મિત્ર અને મિત્રતા આ બે જ શબ્દોમાં લગભગ આપણી પૂરી ઝીંદગી સમાય જાય છે. ત્યારે મિત્રનો બીજો અર્થ એટલે ભાઈબંધ. કે જેની સાથે ભાઈ જેવો સંબંધ હોય એ ભાઈબંધ. ઓગષ્ટ મહિનાનો પહેલો રવિવાર એટલે આપણે બધા ફ્રેન્ડશીપ ડે તરીકે ઉજવીએ છીએ. અને ભલે લોકો એમ કહે કે મિત્રોના દિવસો ના હોય, એ હોય તો બધા દિવસો હોય... હા એ વાત સાચી છે. પરંતુ એ પણ વાત સાચી જ છે કે જયારે આ ઓગષ્ટ મહિનાનો પહેલો રવિવાર આવે એટલે બધા પોતાના મિત્રોને યાદ કરવા લાગે. અને ત્યારે યાદ કરતાં કરતાં એવા મિત્રો પણ યાદ આવે જે એકસમયે આપણા ખાસ મિત્રો હોય. અને જેને આપણે ખોઈ દીધેલા હોય અથવા તો એમનો સંપર્ક છૂટી ગયો હોય. એ મિત્રો આમ તો આડા દિવસે બહુ ઓછા યાદ આવે પણ આજના દિવસે એટલે કે ફ્રેન્ડશીપ ડેના દિવસે અચૂક યાદ આવે. અને તેવા મિત્રો કે જેનો સંપર્ક છૂટી ગયો છે  કે ખોઈ દીધા છે તેમને યાદ કરવા અને હાલમાં આપણા તમામ કામમાં સાથે જ રહે છે તેવા મિત્રોને જ આજનો આ માટે જ આ ફ્રેન્ડશીપ ડે સમર્પિત છે. અને હા કંઈક દોસ્ત તો એવા હોય છે કે જેને ભૂલવા માટે મરવું પડે છે.
  મિત્રતાની શરૂઆત બાળપણથી જ થાય છે. બાળપણની એ શાળાને આપણે ક્યારેય ભૂલી નથી શકતા કે જ્યાં આપણને જીવનમાં સૌથી પહેલો મિત્ર મળ્યો હોય. અને હા એ પહેલો મિત્ર લગભગ આપણી સાથે ન હોય કે સંપર્કમાં ન હોય તો પણ આપણને બધાને યાદ જ હોય. શાળાએ જવાની બેતાબી, રિશેષમાં સાથે બેસી નાસ્તો કરવાનો અને ફરી વર્ગખંડમાં જઈને રજાને કેટલી વાર છે આવું સાથે બેસી વિચારતા હોય એ જ લગભગ તમારો ખાસ મિત્ર હશે. ત્યારબાદ હાઇસ્કુલ અભ્યાસમાં શાળાની એ બેન્ચો ઉપર આજેપણ શૂન્ય-ચોકડી ની રમતો બે મિત્રોની શાળામાં દોસ્તી દર્શાવતી ઘણી બધી વાતો કહી જાય છે. ત્યારે લગભગ ચોથા ધોરણથી દસમાં ધોરણ સુધી ફ્રેન્ડશીપ ડે ક્યારે આવે તેની રાહ જોતા હતા. અને ફ્રેન્ડશીપ ડેના એક-બે દિવસ પહેલા ઘરેથી જીદ કરીને રૂપિયા લઈને ફ્રેન્ડશીપ બેલ્ટ લેવા નીકળી જતા. અને સૌથી વધારે કોના હાથ ઉપર ફ્રેન્ડશીપ બેલ્ટ બાંધેલા તે એકજગ્યાએ બેસીને ગણતા. આ બધા દિવસો હવે લગભગ મોબાઈલમાં સમાઈ ગયા છે. હવે નથી કોઈના હાથ ઉપર ફ્રેન્ડશીપ દેખાતા કે નથી ફ્રેન્ડશીપ બેલ્ટનો ઉત્સાહ. પણ હા એ જ મોબાઈલ થકી આપણાથી કોશો દુર બેઠેલા મિત્ર સાથે થોડી જ ક્ષણોની અંદર આપણે સામસામે બેસીને વાત કરતાં હોય તેવી અનુભૂતિ સાથે વાત પણ થઇ શકે છે. હા... મિત્ર એટલે નાની વાતે ખોટું લગાડી જાય, તમારું દુ:ખ જેને રડાવી જાય અને તમારું સુ:ખ જેને હસાવી જાય આ હોય છે દોસ્ત. અને એટલે જ કોઈકે કહ્યું છે કે પ્લમ્બર ગમે તેટલો એક્ષપર્ટ હોય, પણ એ આંખોમાંથી ટપકતું બંધ ન કરી શકે, તેના માટે તો દોસ્ત જ જોઈએ.
મિત્રો માટે જ થોડી લાઈનો:-
  સાંભળી લો અવાજ મિત્રોનાં,
   પછી તો કાનોમાં મશીન લાગી જવાના..
અત્યારે તો મિત્રો ચાલે છે આપણી સાથે,
  પછી તો માત્ર લાકડી જ સાથે નજર આવાની...
એટલે કહું છુ...
સમજી જાઓ મિત્રો સમજી જાઓ,
  આ મસ્ત ઉંમર ફરી નથી આવાની....
 જિંદગીનો આ તબક્કો જ એવો છે જ્યાં મિત્રો નવા બને અને જુના મિત્રો પણ સાથે હોય. ત્યારે આ બંનેનો સમન્વય સાધી હાલની આ યુવાનીની ઉંમરનો લાભ લઇને આ ફ્રેન્ડશીપ ડે થકી ફરી એકવાર સાથે મળીને મજાક-મસ્તી કરી અનોખો આનંદ મેળવી શકીએ છીએ.
 અને અંતે...
કફનમાં લપટાયેલી લાશને જોઇને એક માણસ કહે છે,
બસને ભાઈ નવા કપડાં પહેર્યા એટલે બોલાવવાનું જ બંધ કરી દીધું... બસ આ જ વ્યક્તિ એટલે ભાઈબંધ.
  અને હા... બે એટલે કે દો હસ્તી જયારે મળે ત્યારે જ દોસ્તી થાય.
                          - ધવલ આચાર્ય, પ્રિન્સ